માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં પણ વિરાટ કોહલીનો રનનો દુષ્કાળ ખતમ થયો ન હતો.
ત્રીજી મેચમાં વિરાટ કોહલીએ 22 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા, પરંતુ તે ઝડપી બોલર તાપલીના બોલ પર જોસ બટલરને કેચ આપી બેઠો હતો અને તેની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડ સામેની બીજી મેચમાં 16 રન બનાવ્યા હતા, જ્યારે ઈજાના કારણે તે પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો.
ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી વન-ડેમાં નિષ્ફળતા સાથે વિરાટ કોહલીના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હતો. હકીકતમાં, તે આ બે વનડે પહેલા ત્રણ વનડેમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ઈંગ્લેન્ડ સામે બે વનડે રમ્યા પહેલા વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી હતી. આ મેચોમાં કોહલીએ 8,18,0 રનની ઇનિંગ રમી હતી. એટલે કે આ પાંચ મેચની વાત કરીએ તો કોહલીએ 8,18,0,16,17 રન બનાવ્યા છે.
આ પાંચ મેચમાં કોહલી 20 રન સુધી પણ પહોંચી શક્યો નહોતો. વિરાટ કોહલીની ODI કારકિર્દીમાં આ પ્રથમ વખત હતો જ્યારે તે સતત પાંચ ODIમાં 20 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યો ન હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે તે આ દિવસોમાં રન બનાવવા માટે કેટલા તલપાપડ છે, પરંતુ તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. આટલું જ નહીં ઈંગ્લેન્ડના પ્રવાસ પર વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં 11 અને 20 રનની ઇનિંગ રમી હતી, જ્યારે બે T20 મેચમાં તેણે 1 અને 11 રનની ઇનિંગ રમી હતી.