ODIS

વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટીમ ઈન્ડિયાને ICC તરફથી મળી ભેટ!

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. આ જીત સાથે ભારત વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને યથાવત છે. હવે ત્રીજા સ્થાને રહેલા ભારત અને ચોથા સ્થાને રહેલા પાકિસ્તાન વચ્ચે ચાર પોઈન્ટનું અંતર છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી જીતીને ICC રેન્કિંગમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.

આ પહેલા ભારતે ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી પણ 2-1થી જીતી હતી. હવે ભારતે ઝિમ્બાબ્વે સામે વનડે શ્રેણી રમવાની છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી જીત્યા બાદ ભારતના 110 રેટિંગ પોઈન્ટ છે. આ સાથે જ પાકિસ્તાનના 106 રેટિંગ પોઈન્ટ છે. પાકિસ્તાન હવે નેધરલેન્ડ સામે વનડે શ્રેણી રમશે. ટીમ ઈન્ડિયા હવે ધીમે ધીમે પ્રથમ સ્થાન તરફ આગળ વધી રહી છે. જોકે, ભારતે પ્રથમ સ્થાન મેળવવા માટે 128 રેટિંગ પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડ અને 119 રેટિંગ પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડને હરાવવું પડશે.

ભારતીય ટીમને આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકાની ટીમે તેની ઘરઆંગણે વનડે શ્રેણીમાં 3-0થી હાર આપી હતી. ત્યારથી ભારત એક પણ વનડે સિરીઝ હારી નથી. ત્યારપછી ટીમ ઈન્ડિયાએ નવમાંથી આઠ વનડે મેચ જીતી છે. પહેલા ભારતે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું. આ પછી ઈંગ્લેન્ડ ગયો અને શ્રેણી 2-1થી જીતી લીધી. હવે વેસ્ટ ઈન્ડિઝમાં જઈને તેને 3-0થી હરાવ્યું.

ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે રેન્કિંગમાં પાંચમા સ્થાને યથાવત છે. ઓસ્ટ્રેલિયાના 101 રેટિંગ પોઈન્ટ છે. જો કે દક્ષિણ આફ્રિકાના પોઈન્ટની સંખ્યા સમાન છે, પરંતુ દશાંશની ગણતરીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ આગળ છે.

Exit mobile version