એશિયા કપ 2023ની ત્રીજી મેચ 2જી સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ શ્રીલંકાના પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 3 વાગ્યાથી રમાશે. દુનિયાભરના ક્રિકેટ ચાહકોમાં ભારત અને પાકિસ્તાન મેચનો ક્રેઝ છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફના એક ભાગ મેથ્યુ હેડને ભારતીય બેટ્સમેનોને ચેતવણી આપી છે. હેડનનું માનવું છે કે ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાનની પેસ બેટરીનો સામનો કરવા માટે કેટલીક અલગ રણનીતિ બનાવવી પડશે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફની ગણના વર્તમાન સમયના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાં થાય છે. હેડને ભારતીય બેટ્સમેનોને હરિસ રઉફ સામે સૌથી વધુ સાવધ રહેવાની સલાહ આપી છે.
હેડને સ્ટાર સ્પોર્ટ્સના ગેમ પ્લાન શોમાં કહ્યું, ‘ભારતને પાકિસ્તાનની ખતરનાક પેસ ત્રિપુટી સામે રમવાનું છે. હું તમને કહી શકું છું કે આ પૃથ્વી પરની સૌથી ખતરનાક હરીફાઈ છે. અમારી પાસે શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ છે. ત્રણેય બોલર ખૂબ જ અલગ પ્રકારના છે, જેમને ભારત તરફથી સંપૂર્ણપણે અલગ વ્યૂહરચનાઓની જરૂર પડશે. કેન્ડીની સ્થિતિ વિશે વાત કરીએ તો, વિકેટમાંથી બાઉન્સ થઈ શકે છે, તેથી તમારે તેના વિશે વિચારવું પડશે. ભારતીય બેટ્સમેનોએ ખાસ કરીને હરિસ રઉફને લઈને સાવધાન રહેવું પડશે.
હેડને આગળ કહ્યું, ‘તે ઝડપી બોલિંગ કરી શકે છે અને ઓફ સ્ટમ્પને ફટકારી શકે છે. તમારે શાહીન સામે પણ સાવધાનીપૂર્વક રમવું પડશે. બેક ટુ બેક વર્લ્ડ કપની વાત કરીએ તો શાહીન આફ્રિદી શરૂઆતના આંચકા આપી રહ્યો છે.’
