રવિવારના રોજ દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપ 2023ની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ તોફાની બેટિંગ કરી હતી. રોહિત ફિફ્ટી ચૂકી ગયો હોવા છતાં જ્યાં સુધી તે ક્રિઝ પર રહ્યો ત્યાં સુધી તેણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે તેણે 24 બોલનો સામનો કર્યો અને 40 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતની ઇનિંગ્સનો સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ અંત કર્યો હતો. રોહિતે છઠ્ઠી ઓવરના પાંચમા બોલ પર ટેમ્બા બાવુમાને કેચ આપી દીધો.
રબાડાએ રોહિતને આઉટ કરીને એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. રબાડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતને સૌથી વધુ વખત આઉટ કરનાર બોલર બની ગયો છે. અત્યાર સુધી તે રોહિતને 12 વખત પેવેલિયન મોકલી ચૂક્યો છે. તેણે ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટિમ સાઉથીને પાછળ છોડી દીધો છે, જેણે ‘હિટમેન’ તરીકે જાણીતા રોહિતને 11 વખત આઉટ કર્યો હતો. આ યાદીમાં તેના પછી શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝ (10), ઓસ્ટ્રેલિયાનો સ્પિનર નાથન લિયોન (9) અને ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ (8) છે.