ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ શ્રીલંકા સામે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ બે મેચમાં સતત બે અડધી સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું છે.
રોહિત પાસે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી ત્રીજી અને છેલ્લી વનડેમાં ખાસ રેકોર્ડ બનાવવાની તક હશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
ક્રિસ ગેલને પાછળ છોડશે:
જો રોહિત આ મેચમાં 2 સિક્સર ફટકારે છે તો તે ક્રિસ ગેલને પાછળ છોડીને ODI ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર મારનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી જશે. રોહિતે અત્યાર સુધી 264 મેચની 256 ઇનિંગ્સમાં 330 સિક્સર ફટકારી છે. જ્યારે ગેલના નામે 301 મેચની 294 ઇનિંગ્સમાં 331 સિક્સર છે. આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી પ્રથમ સ્થાને છે. તેણે 398 મેચની 369 ઇનિંગ્સમાં 351 સિક્સર ફટકારી છે.
રાહુલ દ્રવિડને પણ પાછળ છોડી શકે છે:
રોહિત પાસે રાહુલ દ્રવિડને પાછળ છોડીને વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં દસમા સ્થાને પહોંચવાની તક હશે. રોહિતે અત્યાર સુધી 264 મેચની 256 ઇનિંગ્સમાં 49.23ની એવરેજથી 10831 રન બનાવ્યા છે. જ્યારે રાહુલ દ્રવિડના નામે 344 મેચની 318 ઇનિંગ્સમાં 39.16ની એવરેજથી 10889 રન છે.