આયર્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને શનિવારે જોરદાર ધમાકો કર્યો હતો. શાકિબે ઝડપી બેટિંગ કરીને વનડેમાં 7000 રન બનાવવાની સિદ્ધિ બતાવી હતી. આવું કરનાર તે બાંગ્લાદેશનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તે 7000 રન બનાવનાર અને 300 વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો.
જણાવી દઈએ કે આયર્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ વનડેમાં શાકિબે 93 રનની ઇનિંગ રમી હતી. તે સદી બનાવવાથી ચૂકી ગયો હતો. જોકે તેણે સિલ્હટમાં 24 રન બનાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો. તમીમ ઈકબાલે બાંગ્લાદેશ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તમિમે વનડેમાં 8146 રન બનાવ્યા છે. આ સાથે જ શાકિબે વનડેમાં 9 સદી ફટકારીને 7000 રન પૂરા કર્યા છે.
આ સિવાય ODI ક્રિકેટમાં શાકિબના નામે 300 વિકેટ પણ નોંધાયેલી છે. હવે તે વન-ડેમાં 300 વિકેટ અને 7000 રન બનાવનાર માત્ર ત્રીજો ક્રિકેટર બની ગયો છે. એટલું જ નહીં, શાકિબ આવો ડબલ બ્લાસ્ટ કરનાર સૌથી ઝડપી ખેલાડી છે. શાકિબ પહેલા સનથ જયસૂર્યા અને શાહિદ આફ્રિદીએ વનડેમાં આવું કારનામું કર્યું હતું. હવે શાકિબે સૌથી ઝડપી ડબલ બ્લાસ્ટ કરીને ઈતિહાસ રચી દીધો છે.
શાકિબ અલ હસને 228 મેચમાં આ કારનામું કર્યું છે. તે જ સમયે, શાહિદ આફ્રિદીએ 398 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. સનથ જયસૂર્યાએ આ કારનામું કરવા માટે 445 મેચ લીધી હતી. જણાવી દઈએ કે બાંગ્લાદેશ માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ શાકિબ અલ હસનના નામે છે. શાકિબે ટેસ્ટમાં 231, ટી20માં 131 અને વનડેમાં 300 વિકેટો નોંધાવી છે.