ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ODI શ્રેણીની પ્રથમ મેચ રમવા માટે ઉતરી હતી. આ શ્રેણી માટે ટીમના ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કરાયેલા રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયા હતા. તેની જગ્યાએ શ્રેયસ અય્યરને ટીમનો વાઇસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. અય્યરે આ મેચમાં અડધી સદી ફટકારી અને એક ખાસ સિદ્ધિ પણ મેળવી.
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ભારતને ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. કેપ્ટન ધવન અને શુભમન ગીલે શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી રમી. કેપ્ટન માત્ર 3 રનથી તેની સદી ચૂકી ગયો હતો જ્યારે ગિલ 64 રન બનાવીને આઉટ થયો હતો. આ બંને સિવાય શ્રેયસ અય્યરે પણ અડધી સદી ફટકારી હતી અને ટીમને મોટો સ્કોર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અય્યરે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 54 રનની ઈનિંગ રમી હતી, જે દરમિયાન તેણે ODIમાં તેના 1000 રન પૂરા કર્યા હતા. આ મેચમાં પ્રવેશતા પહેલા તેણે 27 વનડેની 24 ઇનિંગ્સમાં 947 રન બનાવ્યા હતા. 53મો રન પૂરો કરવાની સાથે જ તે 1000 રન પૂરા કરવામાં સફળ રહ્યો હતો. ભારત માટે સૌથી ઝડપી 1000 ODI રન બનાવવાના મામલામાં તે નવજોત સિંહ સિદ્ધુ સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર આવ્યો હતો. વિરાટ કોહલી અને શિખર ધવને 24 વનડે ઇનિંગ્સ રમીને આ સિદ્ધિ મેળવી હતી.
શ્રેયસે આ ટીમ સામે 8 મેચ રમી છે જેમાં તેણે 7 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 57ની એવરેજથી 400 રન બનાવ્યા છે. તેણે એક દાવ સિવાય તમામ ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી છે. છેલ્લી 7 ઇનિંગ્સમાં તેણે 71, 65, 70, 53, 7, 80, 54 રન બનાવ્યા છે.