ભારતે સોમવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી ત્રીજી અને રોમાંચક મેચમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી લીધું હતું.
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલ (130)ની પ્રથમ સદીને કારણે 8 વિકેટે 289 રન બનાવ્યા હતા અને ત્યારબાદ સિકંદર રઝા (115)ની સદી છતાં ઝિમ્બાબ્વે ત્રણ બોલ બાકી રહેતા 276 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ગિલે પોતાની વનડેમાં પ્રથમ સદી ફટકારી હતી. તેણે 97 બોલમાં 15 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ગિલે ત્રણ મેચમાં 122.50ની એવરેજથી 245 રન બનાવ્યા હતા અને આ માટે તેને મેન ઓફ ધ મેચ તેમજ મેન ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ ખાસ સદી તેના પિતાને સમર્પિત કરી છે.
મેચ બાદ ગિલે કહ્યું, “ચોક્કસપણે ખાસ (તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી મેળવવી) તે મહાન છે. જ્યારે તમે આવી ટીમમાં હોવ ત્યારે તે ખૂબ જ સારું લાગે છે. મારા પિતા મારા માટે મુખ્ય કોચ રહ્યા છે. બીજી વનડેમાં આઉટ થયા બાદ મને તેમની પાસેથી શીખવા મળ્યું, તેથી હું આ (મારી પ્રથમ વનડે સદી) તેને સમર્પિત કરું છું”.
તેની નવમી મેચમાં, તેને સતત બીજી વખત મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર મેન ઓફ ધ સિરીઝ માટે તેની પસંદગી થઈ હતી. ગિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા છે. છેલ્લી છ વનડે ઇનિંગ્સમાં તેણે અત્યાર સુધીમાં 64, 43, 98*, 82*, 33 અને 130 રન બનાવ્યા છે.
ગિલે તેની ઇનિંગ્સ વિશે આગળ કહ્યું, ‘હું માત્ર મારા ડોટ બોલને ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં મારાથી બને તેટલું ગેપ મારવાનો પ્રયાસ કર્યો. જ્યારે હું ક્રિઝની અંદર ગયો તો કેટલાક બોલરો સારી બોલિંગ કરી રહ્યા હતા. આને દૂર કરવું મહત્વપૂર્ણ હતું. એકવાર અમે અટકી ગયા પછી અમે જાણતા હતા કે અમે મોટા શોટ રમી શકીએ છીએ.’