ભારતીય ઓપનર શુભમન ગિલ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ ODI રેન્કિંગમાં 45 સ્થાનની છલાંગ લગાવીને 38માં સ્થાને પહોંચી ગયો છે. 22 વર્ષીય બેટ્સમેને ઝિમ્બાબ્વે સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
તેણે હરારેમાં રમાયેલી છેલ્લી ODI મેચમાં આ ફોર્મેટમાં પોતાની પ્રથમ સદી (97 બોલમાં 130 રન) ફટકારી હતી. આ સાથે જ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 744 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા સ્થાન પર યથાવત છે. તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ છઠ્ઠા સ્થાને યથાવત છે. તેને પણ ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો હતો. અનુભવી ઓપનર શિખર ધવન ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચમાં 154 રન બનાવવા છતાં એક સ્થાન સરકીને 12મા સ્થાને પહોંચી ગયો છે. તેણે પ્રથમ અને ત્રીજી વનડેમાં અડધી સદી ફટકારી હતી.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ કુલ 891 રેટિંગ પોઈન્ટ સાથે ODI બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. તેના પછી દક્ષિણ આફ્રિકાના રાસી વાન ડેર ડુસેન છે જેમના 789 રેટિંગ પોઈન્ટ છે. બોલરોની યાદીમાં ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ટોપ પર છે જ્યારે ઓલરાઉન્ડરોની યાદીમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન નંબર વન પર યથાવત છે.
