ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022માં સંજુ સેમસન જગ્યા બનાવી શક્યો નહોતો. સંજુને આગામી વર્લ્ડ કપમાં સ્થાન ન મળતા ક્રિકેટ ચાહકોની સાથે સાથે ક્રિકેટ નિષ્ણાતો પણ ચોંકી ગયા છે.
આ પછી ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસનના ભવિષ્યને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ છે. આ અટકળોને ખતમ કરવા માટે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી આગળ આવ્યા છે.
સૌરવ ગાંગુલીએ કહ્યું કે સંજુ સારું રમી રહ્યો છે. તેણે આઈપીએલમાં પોતાની ફ્રેન્ચાઈઝી માટે પણ સારું પ્રદર્શન કર્યું હતું. તે સુકાની પણ રહી ચૂક્યો છે. સંજુ ભારત તરફથી રમશે. તે ભલે વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મેળવી શકે પરંતુ તે ભારતીય ટીમની યોજનાનો એક ભાગ છે અને સંજુને ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં 3 મેચની ODI શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે. આ શ્રેણીમાં સંજુ સેમસન સારું પ્રદર્શન કરીને ભારતમાં યોજાનારા 2023 ODI વર્લ્ડ કપમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે.