
ભુવનેશ્વર કુમારે ભારત તરફથી 114 વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે..
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીના પહેલા જ બોલ પર વિકેટ લેવી એ કોઈ પણ બોલર માટે મોટી સિદ્ધિ છે. અત્યાર સુધીમાં ફક્ત 26 બોલરોએ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચમાં કારકિર્દીના પહેલા બોલમાં વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. વન ડે ક્રિકેટમાં પ્રથમ વખત તેની કારકિર્દીના પ્રથમ બોલ પર વિકેટ લેવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના જિઓફ આર્નોલ્ડ દ્વારા 1972માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બનાવ્યો હતો.
ભારતે 1974 માં પ્રથમ વન-ડે મેચ રમી હતી અને ત્યારબાદ 231 ક્રિકેટરોએ ભારત તરફથી વનડે મેચ રમી છે, પરંતુ માત્ર બે બોલરોએ તેમની કારકિર્દીના પહેલા જ બોલ પર વિકેટ ઝડપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ચાલો જોઈએ તે બે બોલરો કોણ છે?
ભારતીય ટીમના પૂર્વ ઓપનર સદગોપન રમેશે માર્ચ 1999માં શ્રીલંકા સામે વનડે ડેબ્યૂમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ સપ્ટેમ્બર 1999માં સિંગાપોરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ વખત બોલિંગ કરવાની તક મળી હતી. રમેશે તેની પહેલા જ બોલ પર વેસ્ટ ઇન્ડીઝના નિક્સન મેક્લીનને આઉટ કર્યો હતો અને પ્રથમ જ બોલમાં વનડેમાં વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હતો.
ભારતીય ટીમના અગ્રણી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 30 ડિસેમ્બર, 2012ના રોજ ચેન્નઈમાં પાકિસ્તાન સામે વનડે ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ જ બોલમાં મોહમ્મદ હાફીઝને આઉટ કરીને આશ્ચર્યચકિત કર્યું હતું. ભુવનેશ્વર કુમારે ભારત તરફથી 114 વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં તેણે 132 વિકેટ લીધી છે.
