ODI વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતી વખતે ન્યૂઝીલેન્ડ માટે ડેરીલ મિશેલ અને રચિન રવિન્દ્રએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓએ ભારતીય બેટ્સમેનોનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે ઓપનર ડેવોન કોનવે ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ વિલ યંગ 17 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ 2 વિકેટ પડ્યા બાદ રચિન રવિન્દ્ર અને ડેરિલ મિશેલે શાનદાર બેટિંગ કરી હતી. આ બંને ખેલાડીઓએ ઘણા આકર્ષક સ્ટ્રોક ફટકાર્યા હતા. એવું લાગી રહ્યું હતું કે આ બંને ખેલાડીઓ આરામથી પોતાની સદી પૂરી કરશે. પરંતુ ત્યારબાદ મોહમ્મદ શમીએ રચિનને આઉટ કર્યો હતો. તે 75 રન બનાવીને આઉટ થયો હતો.
રચિન અને મિશેલે 159 રનની ભાગીદારી કરી, જે IND vs NZ વચ્ચેની ODI વર્લ્ડ કપ મેચોમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારી છે. અગાઉ, IND vs NZ વચ્ચેની ODI વર્લ્ડ કપ મેચોમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ સુનીલ ગાવસ્કર અને કે. શ્રીકાંતના નામે હતો. આ બંને ભારતીય બેટ્સમેનોએ 1987માં કિવી ટીમ સામે 136 રન બનાવ્યા હતા. પરંતુ હવે ભારતીય મહાન ખેલાડીઓનો રેકોર્ડ રચિન રવિન્દ્ર અને ડેરિલ મિશેલે તોડ્યો છે.
IND vs NZ વચ્ચે વર્લ્ડ કપમાં કોઈપણ વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી:
159* – રચિન રવિન્દ્ર અને ડેરીલ મિશેલ, 2023
136 – સુનીલ ગાવસ્કર અને કે. શ્રીકાંત, 1987
129 – રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફ, 2003
127 – મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન તેંડુલકર, 1992
116 – એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજા, 2019