ભારતના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ભારત છોડીને પરિવાર સાથે લંડનમાં સ્થાયી થવાનું વિચારી રહ્યો છે. કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માના જણાવ્યા અનુસાર, કોહલી ટૂંક સમયમાં ભારત છોડીને તેની પત્ની અનુષ્કા શર્મા, પુત્રી વામિકા અને પુત્ર અકાય સાથે લંડન શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યો છે.
દૈનિક જાગરણને આપેલા એક ઈન્ટરવ્યુમાં રાજકુમારે કહ્યું, “વિરાટ તેના બાળકો અને પત્ની અનુષ્કા શર્મા સાથે લંડન શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, તે ભારત છોડીને ત્યાં જલ્દી જ સેટલ થવા જઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા કોહલી દિલ્હી છોડીને મુંબઈ શિફ્ટ થયો હતો. પરંતુ આ વર્ષની શરૂઆતથી તે માત્ર લંડનમાં જ છે. પોતાના બીજા બાળકના જન્મને કારણે કોહલીએ આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી ન હતી. તેમના પુત્ર અકાયનો જન્મ 15 ફેબ્રુઆરી 2024ના રોજ લંડનમાં થયો હતો.
આ ઈન્ટરવ્યુ દરમિયાન રાજકુમારને કોહલીના વર્તમાન ફોર્મ અને નિવૃત્તિ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર તેણે કહ્યું હતું કે કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય નથી અને તે બોર્ડરની આગામી બે ટેસ્ટ મેચમાં ભારત માટે વધુ બે સદી ફટકારવા જઈ રહ્યો છે.
રાજકુમારે કહ્યું, “વિરાટ તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છે, તેણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. મને વિશ્વાસ છે કે તે આગામી બે ટેસ્ટ મેચમાં વધુ બે સદી ફટકારશે. તે હંમેશા તેના ક્રિકેટને એન્જોય કરે છે.
“વિરાટ હજુ પણ ખૂબ જ ફિટ છે અને નિવૃત્તિ લેવાની ઉંમરે નથી. મને લાગે છે કે તે હજુ પાંચ વર્ષ રમશે. તે ચોક્કસપણે 2027 ODI વર્લ્ડ કપમાં ભારત માટે રમશે. હું તેને છેલ્લા 26 વર્ષથી ઓળખું છું અને તેથી હું કહી શકું છું કે તેનામાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે.”