ક્રિકેટ કરિયરથી દૂર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદનું અંગત જીવન સારું નથી ચાલી રહ્યું અને હવે તેને કોલકાતાની કોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે.
વાસ્તવમાં આ સમગ્ર મામલો મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં સાથે જોડાયેલો છે. મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં તેમના લગ્ન જીવનમાં વિવાદો બાદ અલગ રહે છે. હસીન જહાંએ શમી પર ઘણા આરોપો લગાવ્યા હતા અને ત્યારબાદ તે પોતાની પુત્રી સાથે અલગ રહેવા લાગી હતી.
આ મામલામાં કોલકાતાની કોર્ટે હવે ઝડપી બોલર શમીને આદેશ આપ્યો છે કે તેણે તેની પત્નીને માસિક ભરણપોષણ તરીકે 1 લાખ 30 હજાર રૂપિયા આપવા પડશે. શમીએ હસીન જહાંને વ્યક્તિગત ભરણપોષણ તરીકે 50,000 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે 80,000 રૂપિયા તેની પુત્રીના ભરણપોષણનો ખર્ચ થશે.
બીજી તરફ, સમાચાર અનુસાર, માનવામાં આવે છે કે હસીન જહાં કોર્ટના આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી. હસીન જહાંએ કોર્ટમાં મોહમ્મદ શમી પાસેથી માસિક 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાં હસીન જહાંએ પોતાના ખર્ચ માટે 7 લાખ રૂપિયા જ્યારે દીકરીના ભરણપોષણ માટે 3 લાખ રૂપિયા માંગ્યા હતા. હસીન જહાંના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે મોહમ્મદ શમીના 2020-21ના ઈન્કમ ટેક્સ રિટર્ન મુજબ તેની વાર્ષિક આવક 7 કરોડ રૂપિયા હતી, તેથી જ હસીન જહાંએ કોર્ટમાં શમી પાસેથી દર મહિને 10 લાખની માંગણી કરી હતી.
હસીન જહાં વ્યવસાયે અભિનેત્રી છે. મોહમ્મદ શમી અને હસીન જહાંએ વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. બંને વચ્ચે વિવાદ વર્ષ 2018માં શરૂ થયો હતો અને હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસા જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે શમી પર સૌથી ગંભીર આરોપ મૂક્યો હતો તે મેચ ફિક્સિંગનો હતો. જોકે, શમી નિર્દોષ જણાયો હતો અને હજુ પણ ભારતીય ટીમ માટે રમી રહ્યો છે.
