પૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે. ક્રિકેટ જગતમાં સફળતા મેળવ્યા બાદ ધોની હવે ફિલ્મમેકર બનવાની તૈયારી કરી રહ્યો છે.
એમએસ ધોની હવે મોટા પડદા પર પોતાનું નસીબ અજમાવશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, એમએસ ધોની અભિનેત્રી નયનથારા અભિનીત કોલીવુડ ફિલ્મનું નિર્માણ કરશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એમએસ ધોનીએ એક તમિલ ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે અને હાલમાં તે મેગા પ્રોજેક્ટ માટે તેની ટીમ બનાવવાની અને ફાઇનલ કરવાની પ્રક્રિયામાં છે.
ધોનીએ જાણીતી અભિનેત્રી નયનતારાને પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે સાઈન કરી છે અને આઈપીએલ 2022 ના સમાપન પછી ફિલ્મની સત્તાવાર જાહેરાત અપેક્ષિત છે.
ઉલ્લેખનીય છે કે, ધોની અગાઉ સિનેમા સાથે સંકળાયેલો છે, તેમજ તેની બોલિવૂડ બાયોપિક ‘M.S. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’એ 2016માં રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી હતી. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટનની ભૂમિકા ભજવી હતી, જ્યારે કિયારા અડવાણીએ તેની પત્ની સાક્ષીની ભૂમિકા ભજવી હતી.
દરમિયાન, ફિલ્મમાં નયનતારાની હાજરી, જેણે ભારતના દક્ષિણ ભાગોમાં લોકપ્રિયતા મેળવી છે, તે પ્રેક્ષકોમાં મોટા પાયે પ્રચાર કરશે તેવી અપેક્ષા છે. હાલમાં તેની પાંચ ફિલ્મો આગામી એક વર્ષમાં રિલીઝ થવાની છે.