ભારતીય ટીમનો ચહેરો બદલી નાખનાર કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક સ્ક્રીન પર જોવા મળશે. જો સૂત્રોનું માનીએ તો, ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે કારણ કે ગાંગુલીએ સ્ક્રિપ્ટને મંજૂરી આપી દીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ એક્ટર રણબીર કપૂર લીડ રોલમાં જોવા મળશે. જો કે નિર્માતાઓએ હજી સુધી તેની પુષ્ટિ કરી નથી, પરંતુ સૂત્રો જણાવે છે કે આ ભૂમિકા માટે બોલિવૂડ સ્ટારને જોડવામાં આવ્યો છે.
ફિલ્મમાં બાકીનું કાસ્ટિંગ થવાનું બાકી છે. મુખ્ય ભૂમિકા રણબીર કપૂર ભજવશે. એવી પણ અફવા છે કે એમએસ ધોની બાયોપિકમાં કેમિયો પણ કરી શકે છે. આ ફિલ્મમાં લીડ રોલ માટે માત્ર રણબીરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બોલિવૂડ અભિનેતા હાલમાં શ્રદ્ધા કપૂર સાથેની તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પછી તે ગાંગુલીની બાયોપિક માટે કામ શરૂ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે તમામ ક્રિકેટ ફેન્સની નજર સૌરવ ગાંગુલીની બાયોપિક પર હશે. આમાં નેટ વેસ્ટ સિરીઝની ફાઈનલનો રોમાંચ, પત્ની ડોના સાથેના સંબંધો, ભારતીય ક્રિકેટરના ડ્રેસિંગ રૂમની ઘણી યાદો શેર કરી શકાય છે. ગાંગુલી 1983 પછી પ્રથમ વખત ICC ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરનાર કેપ્ટન હતો. જો કે આ મેચ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં ગાંગુલીએ નવી ટીમ ઈન્ડિયા બનાવી લીધી હતી.