ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું IPL 2022 સારું રહ્યું ન હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કેપ્ટનશીપની તક મળ્યા બાદ તે સંઘર્ષ કરતો જોવા મળ્યો અને ત્યાર બાદ તેણે ફરીથી મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનશિપ સોંપી.
જાડેજા હાલમાં મેદાનની બહાર છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની નોંધપાત્ર પહેલ વિશે વાત કરી. તેણે અને તેના પત્ની રીવાબા જાડેજાએ તેમની પુત્રીના 5મા જન્મદિવસના અવસર પર વંચિત છોકરીઓના કલ્યાણ માટે એક પહેલની જાહેરાત કરી હતી.
રવિન્દ્ર જાડેજાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, જેમાં 101 સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવામાં આવ્યા. આ દરેક ખાતામાં 11 હજાર રૂપિયા પણ જમા કરવામાં આવ્યા હતા. આ તમામ 101 સુકન્યા સમૃદ્ધિ ખાતા જામનગરની પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા હતા. જાડેજાએ પણ આ સમાજ સેવાના કાર્યક્રમની ઘણી તસવીરો ટ્વિટર પર શેર કરી આ માહિતી આપી હતી.
નયના જાડેજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન અમે ઘણા પરિવારોને તેમના ઘરે રાશન પહોંચાડીને મદદ કરી હતી. જો કે જડ્ડુ વ્યક્તિગત રીતે લોકોના ઘરની મુલાકાત લેતો ન હતો કારણ કે તે હંમેશા ભારે ભીડને આકર્ષે છે, અમારી ટીમે ખાતરી કરી કે ખોરાક જરૂરિયાતમંદ ઘરો સુધી પહોંચાડવામાં આવે. તેણે કહ્યું કે જડ્ડુને સામાજિક કાર્યોને કારણે લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી. તેને જે પણ કરવું છે, તે લોકોની નજરથી દૂર રહેવા માંગે છે.
નોંધનીય છે કે જાડેજાના પત્ની રીવાબા ભાજપના સક્રિય કાર્યકર છે. તે 2019માં ભાજપમાં જોડાઈ હતી અને ઘણીવાર રાજકીય કાર્યક્રમોમાં જોવા મળે છે. ભાજપની સાથે તે સૌરાષ્ટ્રની કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખ પણ છે.