ભારતીય ટીમનો અનુભવી ઓપનર શિખર ધવન હાલમાં ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો છે. ધવને છેલ્લા કેટલાક વર્ષોમાં મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ઓપનિંગ કરીને ભારતીય ટીમને ખડકની જેમ સંભાળી છે.
જો કે, તે છેલ્લા કેટલાક સમયથી તેના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે ભારતીય ટીમ યુવા બેટ્સમેનોના વિકલ્પો પર વિચાર કરતી જોવા મળી રહી છે. ધવન હવે IPLમાં પોતાના ફોર્મમાં પરત ફરવા માંગશે અને ફરી એકવાર ભારતીય ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે.
જો કે, ચાહકોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શિખર ધવનનું બેટ જોવા નથી મળી રહ્યું, પરંતુ ધવન સોશિયલ મીડિયા દ્વારા ફની વીડિયો બનાવીને તેના ફેન્સનું મનોરંજન કરતો રહે છે. ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ફરી એકવાર પોતાની અનોખી સ્ટાઈલ બતાવી છે.
આ વીડિયોમાં ધવન 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેનો ઉલ્લેખ કરી રહ્યો છે. વીડિયોમાં, એક વ્યક્તિ ધવનને પૂછે છે કે વેલેન્ટાઈન ડે માટે શું પ્લાન છે, જેના જવાબમાં ધવને કહ્યું, “જબ કિસ્મત મેં ના લખી હો પરી તો કિસ બાત કી 14 ફેબ્રુઆરી.”
નોંધપાત્ર વાત એ છે કે બાંગ્લાદેશ સામેની છેલ્લી વનડે શ્રેણીમાં ધવને ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ મેચમાં કુલ 18 રન બનાવ્યા, જે બાદ તેને શ્રીલંકા અને કિવિ સામેની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જો ધવન તેના ફોર્મમાં પાછો નહીં આવે તો તે આ વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકશે નહીં.