પાકિસ્તાનના પૂર્વ મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમે વિરાટ કોહલીના જોરદાર વખાણ કર્યા છે. વસીમ અકરમે એક સ્પોર્ટ્સ વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિરાટ કોહલી હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ ખેલાડી છે. તે મારા સર્વકાલીન ભારતીય ક્રિકેટર છે. આ પહેલા પણ અકરમ કોહલીના વખાણ કરતો રહ્યો છે.
ચાહકો ઘણીવાર વિરાટ કોહલીની તુલના બાબર આઝમ સાથે કરે છે. પરંતુ બંનેના આંકડામાં મોટો તફાવત છે. વસીમ અકરમનું માનવું છે કે વિરાટ કોહલીએ જે સિદ્ધિ મેળવી છે. બાબર આઝમ પાસે આવી કોઈ સિદ્ધિ નથી. વસીમ અકરમના મતે કોહલીએ અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.
વસીમ અકરમે કહ્યું કે વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, જો રૂટ અને કેન વિલિયમસન વર્તમાન સમયના દિગ્ગજ ખેલાડી છે. આ બધા મજબૂત આઇકોન છે, બાબર આઝમ હજુ આ ખેલાડીઓની બરાબરી નથી કરી શક્યા. પરંતુ તે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. આવનારા સમયમાં બાબર આઝમ ઘણા મોટા રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે.
પોતાના ક્રિકેટ કરિયરમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 109 ટેસ્ટમાં 48.73ની એવરેજથી 8479 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 7 બેવડી સદી, 28 સદી અને 28 અડધી સદી ફટકારવામાં સફળતા મેળવી છે. કોહલીએ 274 વનડેમાં 57.32ની એવરેજથી 12898 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 46 સદી અને 65 અડધી સદી ફટકારી છે. આ સાથે જ કોહલીએ 115 T20 મેચમાં 52.74ની એવરેજથી 4008 રન બનાવ્યા છે. ટી20માં કોહલીના નામે એક સદી અને 37 અડધી સદી સામેલ છે.
