ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન ટૂંક સમયમાં ફરી ક્રિકેટના મેદાન પર રમતા જોવા મળશે. ખરાબ ફોર્મ અને ફિટનેસની સમસ્યાઓ સામે ઝઝૂમવાને કારણે તેણે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
અહેવાલ છે કે તે લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ઈંગ્લેન્ડની ટીમે મોર્ગનની કેપ્ટનશીપમાં તેનો પ્રથમ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો.
ઈંગ્લેન્ડનો વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈયોન મોર્ગન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ની બીજી સીઝનમાં રમતા જોવા મળશે. ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ, પઠાણ ભાઈઓ યુસુફ અને ઈરફાન, ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી અને શ્રીલંકાના મુથૈયા મુરલીધરન પણ લીગમાં ભાગ લેશે.
સપ્ટેમ્બરમાં યોજાનારી આ લીગમાં ચાર ટીમો ભાગ લેશે. તેમાં 110 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ રમશે. 2019 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ખિતાબ જીત દરમિયાન ટીમનું સુકાન સંભાળનાર મોર્ગને કહ્યું: “હું એલએલસીનો ભાગ બનીને અદ્ભુત અને રોમાંચ અનુભવું છું. હું બીજી સિઝનમાં રમવા માટે ઉત્સુક છું.”
ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરોને ભારત, એશિયા અને બાકીના વિશ્વની ત્રણ ટીમો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા.
વર્ષ 2006માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનાર મોર્ગને 28 જૂન 2022ના રોજ નિવૃત્તિની જાહેરાત કરીને તેનો અંત કર્યો હતો.