સચિન તેંડુલકરનો દીકરો અર્જુન મુંબઈની ટીમ છોડવા માટે તૈયાર છે અને આગામી સ્થાનિક સિઝનમાં તે ગોવા તરફથી રમી શકે તેવી પૂરી સંભાવના છે. ડાબોડી ફાસ્ટ બોલર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનો એક ભાગ હતો. તેણે હરિયાણા અને પુડુચેરી સામે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈ માટે બે મેચ રમી હતી.
જાણવા મળ્યું છે કે જુનિયર તેંડુલકરે મુંબઈ ક્રિકેટ એસોસિએશન તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે અરજી કરી છે. SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટે એક નિવેદનમાં કહ્યું, “અર્જુન માટે તેની કારકિર્દીના આ તબક્કે શક્ય તેટલો વધુ સમય મેદાન પર વિતાવવો મહત્વપૂર્ણ છે. અમારું માનવું છે કે બીજા સ્થાનેથી રમવાથી અર્જુનને વધુ સ્પર્ધાત્મક મેચ રમવાની તક મળશે. તે પોતાની ક્રિકેટ કારકિર્દીનો નવો તબક્કો શરૂ કરી રહ્યો છે.”
અર્જુન તેંડુલકરે ત્રણ સિઝન પહેલા શ્રીલંકા સામે ઈન્ડિયા અંડર-19 માટે બે મેચ રમી હતી. તે સમયે તેનો મુંબઈની સંભવિત મર્યાદિત ઓવરોની ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અર્જુન માટે સૌથી મોટી નિરાશા એ રહી કે તેને આ સિઝનમાં પોતાને સાબિત કરવાની તક ન મળતા તેને મુંબઈની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
ગોવા ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અર્જુન તેંડુલકરને રાજ્યના સંભવિત ખેલાડીઓમાં સામેલ કરવામાં આવી શકે છે. જીસીએના પ્રમુખ સૂરજ લોટલીકરે પીટીઆઈને જણાવ્યું કે, અમે ડાબા હાથના ફાસ્ટ બોલરની શોધમાં છીએ. એટલા માટે અમે અર્જુન તેંડુલકરને ગોવાની ટીમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. અમે સિઝન પહેલા મર્યાદિત ઓવરોની પ્રેક્ટિસ મેચ રમીશું અને તે આ મેચોમાં રમશે. આ મેચોમાં તેના પ્રદર્શનના આધારે પસંદગીકારો તેને ટીમમાં રાખવાનો નિર્ણય કરશે.
