બિગ બેશ લીગની ફ્રેન્ચાઇઝી સિડની થંડરે અફઘાનિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના ખરાબ વર્તનને જોતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે, ફઝલહક ફારૂકી આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ છે.
ધ થંડરે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બર, ગુરુવારે બનેલી ઘટના બાદ ક્લબને ફારૂકીના વર્તન અંગે ફરિયાદ મળી હતી અને તેને તપાસ માટે CA (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા)ને મોકલી હતી. તપાસ બાદ થંડરે ફારૂકીનો કોન્ટ્રાક્ટ ખતમ કરવાનો નિર્ણય કર્યો.
આ ઘટના પહેલા ફારૂકીએ BBLમાં એક મેચ રમી હતી જેમાં તેણે 20 રનમાં બે વિકેટ લીધી હતી અને બેટમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. આ ઘટના બાદ તેણે વધુ ત્રણ મેચ રમી.
ક્રિકેટ એનએસડબલ્યુના સીઈઓ લી જાર્મોને કહ્યું: ‘ફઝલહક ફારૂકી દ્વારા દર્શાવવામાં આવેલું વર્તન અમારા મૂલ્યોની બહાર બેસે છે અને તે નક્કી કરવામાં આવ્યું હતું કે તેનો કરાર સમાપ્ત કરવો જોઈએ. અમારું ધ્યાન હવે આ ઘટનાથી પ્રભાવિત લોકોને જરૂરી સહાય પૂરી પાડવા પર છે.
CAના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાની વિગતો ગોપનીય છે અને CA કે થંડર બંનેમાંથી કોઈ વધુ ટિપ્પણી કરશે નહીં.