ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી મેથ્યુ વેડે BBLમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેણે આ બ્રેક માટે અંગત કારણો દર્શાવ્યા છે. તે ગાબા ખાતે હોબાર્ટ હરિકેન્સ સામે શનિવારની મેચ માટે ટીમનો ભાગ નહીં હોય. પીટર હેન્ડ્સકોમ્બ તેની ગેરહાજરીમાં સુકાની સંભાળશે.
વેડે BBLમાં અત્યાર સુધી નવ મેચમાં 177 રન બનાવ્યા છે. તેના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી જેમાં તેણે 93 રન બનાવ્યા છે. તેણે T20 વર્લ્ડ કપમાં શાનદાર રમત દેખાડી હતી, ત્યારપછી તેને BBLમાં ઘણી આશાઓ હતી પરંતુ એવું થયું નહીં.
હોબાર્ટ હરિકેન્સના કોચ એડમ ગ્રિફિથે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે મેથ્યુ વેડ થોડા સમય માટે BBLથી દૂર રહેશે અને અત્યારે તે સ્પષ્ટ નથી કે તે ક્યારે પરત ફરશે. હરિકેન્સની ટીમ નવ મેચમાંથી ચાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
એડમ ગ્રિફિથે કહ્યું, ‘વેડ ઠીક છે. હાલમાં તે કેટલીક બાબતો સાથે સંઘર્ષ કરી રહ્યો છે. મને હજુ સુધી ખબર નથી કે તે ક્યારે પાછો આવશે પરંતુ આશા છે કે તે પાછો આવશે.’ બેન મેકડર્મોટ વેડની ગેરહાજરીમાં વિકેટકીપિંગ કરશે.

