ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા જબરદસ્ત ફોર્મમાં છે. ચેતેશ્વર પૂજારા ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ પહેલા સસેક્સ તરફથી રમી રહ્યો છે.
જ્યાં તેણે શનિવારે બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં ગ્લુસેસ્ટરશાયર સામેની સેકન્ડ ડિવિઝન કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં સસેક્સ માટે ત્રણ મેચમાં બીજી સદી ફટકારી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ સસેક્સ તરફથી પ્રથમ બેટિંગ કરતા મેચના ત્રીજા દિવસે 191 બોલમાં સદી પૂરી કરી હતી. આ મહિનાની શરૂઆતમાં, પુજારાએ ખાતે ડરહામ સામે સસેક્સ માટે તેના પૂર્ણ-સમયના કેપ્ટન તરીકે ડેબ્યૂમાં 115 રન બનાવ્યા હતા.
આ સદી સાથે પૂજારાએ વસીમ જાફરને પાછળ છોડી દીધો છે, જેની પાસે 57 ફર્સ્ટ ક્લાસ સદી છે. તે સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારનાર પાંચમો ભારતીય ખેલાડી બની ગયો છે. સચિન તેંડુલકર (81), સુનીલ ગાવસ્કર (81), રાહુલ દ્રવિડ (68) અને વિજય હજારે (60) આ યાદીમાં પૂજારાથી ઉપર છે.
પૂજારાએ કાઉન્ટી સિઝનમાં પાંચ ઇનિંગ્સમાં 280થી વધુ રન બનાવ્યા છે. સ્ટાર બેટ્સમેન પૂજારા છેલ્લી કાઉન્ટી સિઝનથી શાનદાર ફોર્મમાં છે જ્યાં તેણે 13 ઇનિંગ્સમાં 109ની એવરેજથી 1094 રન બનાવ્યા હતા. ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ તેણે પાંચ સદી ફટકારી હતી. તે રોયલ લંડન વન-ડે કપમાં પણ ટીમ માટે રમ્યો હતો, જ્યાં તેણે નવ ઇનિંગ્સમાં ત્રણ સદી અને બે અર્ધસદી સાથે 624 રન બનાવ્યા હતા.
Phenomenal. 👏 pic.twitter.com/dP7tTCsgUw
— Sussex Cricket (@SussexCCC) April 29, 2023