ઈન્ડિયા A તરફથી રમતા વિકેટકીપર ધ્રુવ જુરેલે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત B વિરુદ્ધ દુલીપ ટ્રોફી 2024ની મેચમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
જુરેલે ઈન્ડિયા Bની બીજી ઈનિંગ દરમિયાન સાત કેચ લીધા અને આ સાથે તે દુલીપ ટ્રોફીની એક ઈનિંગમાં સૌથી વધુ કેચ લઈને વિકેટકીપર તરીકે સંયુક્ત પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. જુરેલે આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી છે.
જુરેલે રવિવારે (8 સપ્ટેમ્બર) ચોથા દિવસની રમત દરમિયાન નવદીપ સૈનીનો કેચ લઈને આ રેકોર્ડ બનાવ્યો હતો. સૈની ઉપરાંત, 23 વર્ષીય જુરેલે યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, મુશીર ખાન, સરફરાઝ ખાન, નીતિશ રેડ્ડી અને સાઇ કિશોરના કેચ પકડ્યા હતા.
ફેબ્રુઆરી 2005માં ઈસ્ટ ઝોન તરફથી રમતી વખતે ધોનીએ સેન્ટ્રલ ઝોન સામેની મેચમાં એક ઈનિંગમાં 7 કેચ લીધા હતા. હવે જુરેલે આ 20 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
જુરેલે મેચની પ્રથમ ઇનિંગમાં એક કેચ પણ લીધો હતો, એટલે કે સમગ્ર મેચમાં આઠ કેચ. જોકે, દુલીપ ટ્રોફીમાં એક મેચમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ પાર્થિવ પટેલના નામે છે, જેણે 2003માં પ્લેટ A સામેની મેચમાં 9 કેચ લીધા હતા.
જોકે, જુરેલ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. પ્રથમ દાવમાં 2 અને બીજા દાવમાં 0 રને આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. જુરેલે આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 4 ઇનિંગ્સમાં 63.33ની એવરેજથી 190 રન બનાવ્યા હતા.
