લાંબા સમયથી Indian Premier League (IPL) ને વિશ્વની સૌથી મોટી અને લોકપ્રિય T20 લીગ તરીકે માનવામાં આવતી રહી છે. તેની ગ્લેમરસ છબી, વિશ્વના ટોચના ખેલાડીઓ અને ભારે કોન્ટ્રાક્ટ્સ તેને અન્ય લીગ્સથી અલગ બનાવે છે. જોકે, તાજેતરમાં આવેલી એક રિપોર્ટ આ માન્યતાને પડકારતી નજરે પડે છે.
World Cricketers’ Association (WCA) દ્વારા જાહેર કરાયેલી નવી રેન્કિંગે ક્રિકેટ જગતમાં ચકચાર મચાવી દીધી છે. આ રિપોર્ટ મુજબ ઇંગ્લેન્ડની The Hundred લીગને વિશ્વની શ્રેષ્ઠ T20 લીગ તરીકે ગણાવવામાં આવી છે, જેને 75.2 રેટિંગ મળ્યું છે.
તે બાદ દક્ષિણ આફ્રિકાની SA20 લીગ 68 અંક સાથે બીજા સ્થાને રહી છે. જ્યારે IPL ને 62.6 રેટિંગ મળતાં તે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
આ રેન્કિંગ ખેલાડીઓની સુખાકારી, કોન્ટ્રાક્ટ સુરક્ષા, મેચ શેડ્યૂલ અને વિવાદોના નિરાકરણ જેવા મહત્વપૂર્ણ માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
Reutersની રિપોર્ટ મુજબ IPL હજુ પણ આવક અને ખેલાડીઓને આપવામાં આવતા ભુક્તાનના મામલે વિશ્વની સૌથી મજબૂત લીગ છે. ખેલાડીઓને મળતી સરેરાશ સેલેરી અને સમયસર પેમેન્ટ માટે IPLને સર્વોચ્ચ ગુણ મળ્યા છે.
આ જ કારણ છે કે વિશ્વના મોટા ભાગના ક્રિકેટર્સ માટે IPLમાં રમવું સપનું સમાન છે. પરંતુ ખેલાડીઓના અધિકારો, તેમની અવાજને મહત્વ આપવું અને વિવાદોના નિરાકરણ જેવી બાબતોમાં IPL અન્ય લીગ્સથી પાછળ રહી ગયું છે.
ભલે IPL હજુ પણ પૈસાની દૃષ્ટિએ ટોચ પર હોય, પરંતુ કુલ વ્યવસ્થાપન અને ખેલાડી કલ્યાણના મુદ્દાઓમાં તે હવે પહેલા સ્થાનેથી નીચે સરક્યું છે. આ રિપોર્ટ ક્રિકેટ જગતમાં નવી ચર્ચાઓને જન્મ આપશે તે નિશ્ચિત છે.

