યજમાન યુનાઇટેડ સ્ટેટ્સની ટીમ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2024માં સારું પ્રદર્શન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટીમે પહેલા કેનેડાને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી અને ત્યારબાદ પાકિસ્તાનની ટીમને હરાવીને ટીમ સમગ્ર ક્રિકેટ જગતમાં પ્રખ્યાત થઈ ગઈ છે. યુએસ ટીમમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સામેલ છે, જેમને ટીમ ઈન્ડિયામાં તક નથી મળી. દરમિયાન, અન્ય એક ભારતીય ખેલાડી વિશે ચર્ચા વધી રહી છે, જે ભવિષ્યમાં યુએસએ ટીમ માટે રમતા જોવા મળી શકે છે.
T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનને હરાવીને અમેરિકાની ટીમ સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ભારતીય મૂળના ખેલાડીઓએ ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે અંડર-19 વર્લ્ડ કપ રમી ચુકેલા સ્મિત પટેલની ખૂબ ચર્ચા થઈ રહી છે. જે ટૂંક સમયમાં યુએસએ ટીમ માટે રમતા જોવા મળી શકે છે. તેણે 2021માં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને અમેરિકા જવાનો નિર્ણય કર્યો હતો.
અંડર-19 વર્લ્ડ કપ 2012માં ટીમ ઈન્ડિયાની વિજેતા ટીમનો હિસ્સો રહેલા ભારતીય ખેલાડી સ્મિત પટેલની ક્રિકેટ કારકિર્દી પર નજર કરીએ તો 31 વર્ષીય વિકેટકીપર બેટ્સમેનના આંકડા શાનદાર રહ્યા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે 55 મેચોમાં 39.49ની એવરેજથી 3278 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે 11 સદી અને 14 અડધી સદી પણ ફટકારી છે.