રણજી ટ્રોફી 2022માં મુંબઈના મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાનનું પ્રદર્શન અત્યાર સુધી પ્રશંસનીય રહ્યું છે. સરફરાઝ ખાને આ સીઝનની બીજી ક્વાર્ટર ફાઈનલની પ્રથમ ઈનિંગમાં ઉત્તરાખંડ સામે 153 રનની ઈનિંગ રમીને બતાવ્યું કે તેની પાસે કેટલી ક્ષમતા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની સાતમી સદી હતી અને દરેક વખતે તેણે 150થી વધુ રન બનાવ્યા હતા.
સરફરાઝ ખાને આ રણજી સિઝનની છેલ્લી ચાર મેચની 5 ઇનિંગ્સમાં અત્યાર સુધીમાં 704 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેની સરેરાશ 140.8 હતી જ્યારે તેણે પાંચ ઇનિંગ્સમાં ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી છે. બીજી તરફ ઉત્તરાખંડ સામેની બીજી ક્વાર્ટર ફાઈનલની પ્રથમ ઈનિંગની વાત કરીએ તો સરફરાઝે 205 બોલનો સામનો કર્યો અને 4 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 153 રન બનાવ્યા.
આ મેચમાં મુંબઈની ટીમે પ્રથમ દાવમાં 8 વિકેટ ગુમાવીને 647 રન બનાવ્યા હતા અને દાવ ડિકલેર કર્યો હતો. મુંબઈને આ સ્કોર સુધી લઈ જવામાં સરફરાઝે પણ મોટી ભૂમિકા ભજવી હતી, પરંતુ સુવેદ પારકરે પણ શાનદાર ઇનિંગ રમી હતી.
તેણે 447 બોલમાં 4 સિક્સ અને 21 ફોરની મદદથી 252 રન બનાવ્યા અને રનઆઉટ થયો. મુંબઈના અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો કેપ્ટન પૃથ્વી શોએ 20 બોલમાં 21 રન બનાવ્યા જ્યારે યશસ્વી જયસ્વાલે 35 રન બનાવ્યા. અરમાન જાફરે 60 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે શમ્સ મુલાનીએ 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તનુષ કોટિયાએ 28 રન બનાવ્યા જ્યારે તુષાર દેશપાંડે 20 રન બનાવી અણનમ રહ્યો. આ મેચમાં મુંબઈના કેપ્ટન પૃથ્વી શૉએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.