સચિન તેંડુલકરની આગેવાની હેઠળની ઇન્ડિયા લિજેન્ડ્સે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું સતત બીજું ટાઇટલ જીત્યું છે. ફાઇનલમાં, તેઓએ શ્રીલંકા લિજેન્ડ્સને 33 રને હરાવ્યું.
ઈન્ડિયા લિજેન્ડ્સની જીતનો હીરો નમન ઓઝા હતો. તેણે ફાઇનલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની સદીની મદદથી ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા લિજેન્ડ્સ 18.5 ઓવરમાં 162 રન જ બનાવી શકી હતી. રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ પણ યોજાઈ હતી, જેમાં ઈન્ડિયા લિજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સને 14 રને હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું.
196 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા લિજેન્ડ્સની શરૂઆત સારી રહી ન હતી. તેણે સનથ જયસૂર્યા અને દિલશાન મુનાવીરાની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. આ પછી કેપ્ટન તિલકરત્ને દિલશાન પણ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 11 રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકા લિજેન્ડ્સે 41 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમ માટે વાપસીનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો.
નીચલા ક્રમમાં ઇશાન જયરત્નેએ 22 બોલમાં 51 રનની તોફાની ઇનિંગ રમીને શ્રીલંકાને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેને બીજા છેડેથી કોઈ બેટ્સમેનનો સાથ મળ્યો ન હતો અને શ્રીલંકા લિજેન્ડ્સની આખી ટીમ 18.5 ઓવરમાં 162 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી વિનય કુમારે 3 વિકેટ લીધી હતી. તેના સિવાય અભિમન્યુ મિથુને પણ 2 વિકેટ ઝડપી હતી.
આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયા લિજેન્ડ્સે નમન ઓઝાની શાનદાર સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. ઓઝાએ પોતાની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય વિનય કુમારે 21 બોલમાં 36 રન બનાવ્યા હતા. શ્રીલંકા લિજેન્ડ્સ માટે નુવાન કુલશેખરા સૌથી સફળ બોલર હતો. તેણે 3 વિકેટ ઝડપી હતી.
2 in a row!!! The @India__Legends are Road Safety World Series champions again after a stellar campaign!! #RoadSafetyWorldSeries #rsws #indialegends #sachintendulkar #yehjunghailegendary #legendsareback #legends pic.twitter.com/535JXdcptK
— Road Safety World Series (@RSWorldSeries) October 1, 2022