
શ્રીસંત પર 2013 માં સ્પોટ ફિક્સિંગના દોષી સાબિત થયા બાદ આજીવન પ્રતિબંધ મૂક્યો હતો….
મેચ ફિક્સિંગના મામલે લગભગ સાત વર્ષના પ્રતિબંધનો સામનો કર્યા બાદ એસ શ્રીસંત ફરી એકવાર મેદાનમાં પાછા ફરવા જઇ રહ્યો છે. શ્રીસંત કેરળ ટી 20 લીગનો ભાગ બનશે અને પોતાની સહનશક્તિ બતાવવા આવશે. ભારતની સ્થાનિક સીઝન શરૂ થાય તે પહેલાં ટી -20 લીગ યોજાશે અને ટૂર્નામેન્ટ બાયો સિક્યુર બબલમાં યોજાશે. શ્રીસંતનો પ્રતિબંધ આ વર્ષે સપ્ટેમ્બરમાં સમાપ્ત થયો હતો, ત્યારબાદ હવે તે રાજ્ય અને દેશ માટે ફરીથી ક્રિકેટ રમી શકે છે.
સ્ટાર સ્પોર્ટસના અહેવાલ મુજબ શ્રીસંત કેરળ પ્રેસિડેન્ટ્સ ટી-20 કપમાં રમતા જોવા મળશે. કેરળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કે. વર્ગીએ પુષ્ટિ આપી છે કે શ્રીસંત આ ટી -20 લીગનો ભાગ બનશે અને આ લીગનું આકર્ષણ બનશે. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં તેણે કહ્યું, ‘હા, એકદમ શ્રીસંત એક આકર્ષણનું કેન્દ્ર બનશે. દરેક ખેલાડી બાયો બબલની અંદર અલાપ્પુઝા હોટેલમાં રહેશે. અમે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જોઈ રહ્યા છીએ. કેરળ સરકારની મંજૂરી લેવી એ એક મહત્વપૂર્ણ બાબત છે.
એસ શ્રીસંત પર 2013 માં સ્પોટ ફિક્સિંગના દોષી સાબિત થયા બાદ આજીવન પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ગયા વર્ષે ઘટાડીને 7 વર્ષ કરી દેવામાં આવ્યો હતો. શ્રીસંતે ભારત માટે અત્યાર સુધીમાં 27 ટેસ્ટ, 53 વનડે અને 10 ટી 20 મેચ રમી છે.
