હિંમત સિંહની આગેવાની હેઠળની દિલ્હીની ટીમે શુક્રવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈને 8 વિકેટે હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. છેલ્લા 42 વર્ષમાં મુંબઈ સામે દિલ્હીની આ પહેલી જીત છે અને રણજી ટ્રોફીના ઈતિહાસમાં માત્ર બીજી વખત છે કે મુંબઈને દિલ્હીએ હરાવ્યું હોય.
દિવિજ મહેરાની શાનદાર બોલિંગના કારણે મુંબઈની ટીમ દિલ્હી સામે માત્ર 95 રનનો લક્ષ્યાંક આપી શકી હતી, જેને તેણે માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ સિઝનમાં દિલ્હીની પણ આ પ્રથમ જીત છે. અગાઉ 5 મેચમાંથી બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ત્રણ મેચ ડ્રો રહી હતી.
મેચની વાત કરીએ તો આ મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સરફરાઝ ખાનની સદીના આધારે મુંબઈ પ્રથમ દાવમાં 293 રન બનાવી શકી હતી. સરફરાઝ સિવાય મુંબઈનો કોઈ બેટ્સમેન 40 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો. સરફરાઝે 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 125 રનની ઇનિંગ રમી હતી, જ્યારે પ્રાંશુ વિજયરને દિલ્હી તરફથી સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
દિલ્હીએ તેના પ્રથમ દાવમાં બોર્ડ પર 369 રન બનાવ્યા અને મુંબઈ પર 76 રનની લીડ મેળવી. વૈભવ રાવલ અને કેપ્ટન હિંમત સિંહની શાનદાર ભાગીદારી દિલ્હીને આ સ્કોર સુધી લઈ ગઈ હતી. બંને ખેલાડીઓ વચ્ચે 5મી વિકેટ માટે 195 રનની ભાગીદારી નોંધાઈ હતી. વૈભવ રાવલે સદીની ઇનિંગ રમતા 114 રન બનાવ્યા હતા, જ્યારે હિંમત સિંહે 85 રન બનાવીને તેનો સાથ આપ્યો હતો. આ દરમિયાન મુંબઈ તરફથી તુષાર દેશપાંડેએ ચાર વિકેટ ઝડપી હતી.
મુંબઈનો બીજો દાવ ઘણો નિરાશાજનક રહ્યો હતો. સુકાની અજિક્ય રહાણે (51)ને બાદ કરતાં કોઈ પણ બેટ્સમેન પોતાની છાપ ઉભી કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે પ્રથમ દાવનો સદી કરનાર સરફરાઝ ખાન પણ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. મુંબઈની બેટિંગને તબાહ કરવામાં દિવિજ મેહરાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. જમણા હાથના મીડિયમ પેસરે 13 ઓવરમાં માત્ર 30 રન આપીને 5 વિકેટ લીધી અને મેચને દિલ્હી તરફ વાળ્યો. મુંબઈની ટીમ બીજા દાવમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.