શ્રીલંકાની લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિ, 5 થી 23 ડિસેમ્બર દરમિયાન યોજાનારી લંકા પ્રીમિયર લીગ (LPL) માટે, સ્ટેડિયમમાં ફક્ત 50 ટકા દર્શકોને જ પ્રવેશ આપવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે કોરોના વાયરસના ચેપને ફેલાતો રોકવા માટે શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રાલયની ભલામણને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયની ભલામણને ધ્યાનમાં રાખીને, શ્રીલંકા સરકાર, ક્રિકેટ બોર્ડ અને લીગના આયોજકો દ્વારા ટુર્નામેન્ટ દરમિયાન તમામ સાવચેતીના પગલાં સુનિશ્ચિત કરવા માટે એક મજબૂત યોજના પણ બનાવવામાં આવશે. લીગ મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે, જ્યારે નોકઆઉટ મેચો હમ્બનટોટાના મહિન્દા રાજપક્ષે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
ચાહકોએ મેચ દરમિયાન દરેક સમયે માસ્ક પહેરવું પડશે અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે. એલપીએલના સત્તાવાર પ્રમોટર, આઈપીજીના સીઈઓ અનિલ મોહને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોઈ પણ ટુર્નામેન્ટ તેના ચાહકો વિના પૂર્ણ થતી નથી, તેથી અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અમે સ્ટેડિયમમાં 50 ટકા ચાહકોને બીજી સીઝન માટે હોસ્ટ કરી રહ્યા છીએ.”
ચાહકો અને એલપીએલમાં સામેલ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેથી અમે સુનિશ્ચિત કરીશું કે તમામ મેચ દરમિયાન કોરોના નિવારણના તમામ પગલાંનું પાલન કરવામાં આવે.

