ભારતીય મહિલા ક્રિકેટર દીપ્તિ શર્મા અને દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઈમરાન તાહિરને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા ધ હન્ડ્રેડ માટે આયોજિત ઓવરસીઝ વાઈલ્ડકાર્ડ ડ્રાફ્ટમાં પસંદ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, 24 વર્ષીય ભારતીય ઓફ સ્પિનર ગત સિઝનમાં લંડન સ્પિરિટ તરફથી રમી હતી. જોકે, તે ધ વિમેન્સ હંડ્રેડ 2022માં બર્મિંગહામ ફોનિક્સ તરફથી રમતી જોવા મળશે. દીપ્તિ શર્મા એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે જેને ઓવરસીઝ વાઇલ્ડકાર્ડ ડ્રાફ્ટમાં ટીમ દ્વારા પસંદ કરવામાં આવી છે.
બીજી તરફ, ઈમરાન તાહિરને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા બાદ, બર્મિંગહામ ફોનિક્સે દક્ષિણ આફ્રિકાના મહાન સ્પિનરને ઓવરસીઝ વાઈલ્ડકાર્ડ ડ્રાફ્ટમાં તેમની ટીમમાં ફરીથી સામેલ કરવામાં સફળ રહી.
ધ હન્ડ્રેડની આગામી બીજી આવૃત્તિ માટે મહિલા ટીમોને 30 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે પુરુષોની ટીમોને 7 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ECBએ એક રિલીઝમાં કહ્યું, “કોઈપણ ક્રિકેટ સ્પર્ધામાં પ્રથમ વખત પુરૂષોની સાથે મહિલા ખેલાડીઓને ડ્રાફ્ટ કરવામાં આવી રહી છે. અમને લાગે છે કે ધ હન્ડ્રેડે મહિલા અને પુરૂષ ક્રિકેટને સમાન પ્લેટફોર્મ પ્રદાન કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.”

