પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે. સિરીઝ 1-1 થી બરાબર છે. શ્રેણીની ચોથી મેચ ગુરુવારે રમાશે. જો કે આ મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ત્રીજી મેચમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે આગળની મેચોમાં તેના રમવા પર શંકા છે.
મોહમ્મદ રિઝવાનને ત્રીજી ગેમ દરમિયાન બેટિંગ કરતી વખતે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. પાકિસ્તાનની વેબસાઈટ જિયો ન્યૂઝ અનુસાર, જેના કારણે બાકીની બે મેચો માટે તેની ઉપલબ્ધતા શંકાના દાયરામાં છે. રિઝવાનને રવિવારે રમાયેલી ત્રીજી મેચમાં રિટાયર હર્ટ થવું પડ્યું હતું. તેણે 21 બોલમાં 22 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન, તે T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો. તેણે બાબર આઝમ અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે.
મોહમ્મદ રિઝવાનને 3000થી વધુ રનના આંકડા સુધી પહોંચવામાં 92 મેચ અને 79 ઇનિંગ્સ લાગી હતી. મોહમ્મદ રિઝવાને 2015માં બાંગ્લાદેશ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું અને તેણે 93 મેચમાં 127.42ની સ્ટ્રાઈક રેટથી 3,048 રન બનાવ્યા છે. મંગળવારે સ્કેન કર્યા પછી, ટીમ મેનેજમેન્ટ ગુરુવારે લાહોરમાં ચોથી T20 મેચ પહેલા રિઝવાનની ઉપલબ્ધતા પર નિર્ણય લેશે.
જમણા હાથના બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પહેલા વિકેટકીપર બેટ્સમેન આઝમ ખાન પણ ઈજાગ્રસ્ત થયો છે. આઝમ ખાનને 10 દિવસ માટે આરામની સલાહ આપવામાં આવી હતી.
