જ્યારે અફઘાનિસ્તાનની ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા 11 વર્ષમાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન સામે જીત નોંધાવી શકી નથી, ત્યારે હવે તે જ ટીમે મેન ઇન ગ્રીનને સતત બે વખત હરાવ્યું છે.
UAEમાં ચાલી રહેલી અફઘાનિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન શ્રેણીની બીજી મેચ પણ રાશિદ ખાનની ટીમના નામે રહી હતી. અફઘાનિસ્તાને આ મેચ 7 વિકેટના માર્જીનથી જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ હારથી પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રથમ બેટિંગ કરતા, પાકિસ્તાને બોર્ડ પર માત્ર 130 રન બનાવ્યા હતા, જે સ્કોર અફઘાનિસ્તાને 1 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 27 માર્ચે શારજાહમાં રમાશે, આવી સ્થિતિમાં જ્યાં અફઘાનિસ્તાનની નજર ક્લીન સ્વીપ પર હશે ત્યાં પાકિસ્તાન સન્માન માટે લડશે.
છેલ્લી મેચની જેમ આ મેચમાં પણ પાકિસ્તાનના બેટ્સમેનોએ ટીમને નુકસાન પહોંચાડ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા, ફઝલ હક ફારૂકીએ પહેલી જ ઓવરમાં બે ઝટકા આપ્યા. સૈમ અયુબ અને અબ્દુલ્લા શફીક ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. શફીક સતત ચોથી વખત ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો, આ એક શરમજનક વિશ્વ રેકોર્ડ છે. શરૂઆતી આંચકાઓ બાદ પાકિસ્તાન રિકવર થઈ શક્યું નથી. અડધી ટીમ 11 ઓવરમાં 63 રનમાં પેવેલિયન પરત ફરી હતી.
ત્યારબાદ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓ ઈમાદ વસીમ અને શાદાબ ખાને અનુક્રમે અણનમ 64 અને 32 રન બનાવી ટીમને 130ના સ્કોર સુધી પહોંચાડી હતી. તમને જણાવી દઈએ કે, છેલ્લી મેચમાં પાકિસ્તાન માત્ર 92 રન જ બનાવી શક્યું હતું.
131 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 19.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કરી લીધો હતો. રહેમાનુલ્લા ગુરબાઝ ટીમનો ટોપ સ્કોરર હતો, જેણે સૌથી વધુ 44 રનની ઇનિંગ રમી હતી, જ્યારે તેણે ઇબ્રાહિમ ઝદરાન (38) સાથે બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી પણ કરી હતી.
— Afghanistan Cricket Board (@ACBofficials) March 26, 2023