ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ન્યુઝીલેન્ડ સામે 17 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.
ભારતીય ટીમના પસંદગીકારોએ વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા ટીમની જાહેરાત કરી છે. એટલું જ નહીં, BCCIએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન અને વાઇસ કેપ્ટનની જાહેરાત કરી છે. પસંદગી સમિતિએ ભારત A ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી છે.
BCCIએ ટી-20 ફોર્મેટની કપ્તાની રોહિત શર્માને સોંપી દીધી છે, કારણ કે વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે આ મેગા ઈવેન્ટ પછી આ ફોર્મેટની કેપ્ટનશીપ નહીં કરે. આવી સ્થિતિમાં બોર્ડે રોહિત શર્માને ટી-20 ક્રિકેટ માટે ફુલ ટાઈમ કેપ્ટન જાહેર કરવો પડ્યો છે, જ્યારે ઓપનર કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાની વાઇસ કેપ્ટન્સી સોંપવામાં આવી છે. કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન પણ હતો.
બેટ્સમેન વિરાટ કોહલી ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ તમામ ખેલાડીઓ મેના અંતમાં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા અને ત્યારથી તેઓને મોટાભાગનો સમય બાયો-બબલમાં જ રહેવું પડ્યું હતું. આથી આ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
ન્યુઝીલેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ નીચે મુજબ:
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (ડબ્લ્યુકે), રિષભ પંત (ડબ્લ્યુકે), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલ.

