સાત મેચોની T20 સીરીઝની પાંચમી મેચ આજે એટલે કે 28 સપ્ટેમ્બરે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે, પરંતુ તે પહેલા જ યજમાન પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ટીમના ફાસ્ટ બોલર નસીમ શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નસીમ શાહને ખૂબ જ તાવ હોવાથી તેમને લાહોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર નસીમ શાહને ખૂબ તાવ છે અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેનો ડેન્ગ્યુ ટેસ્ટ પણ થઈ ગયો છે અને થોડા સમયમાં પરિણામ પણ આવી જશે. ઈંગ્લેન્ડ સામેની 5મી T20માં તેની રમવાની શક્યતા ઓછી છે. તાવનો સામનો કરવો એટલો સરળ નથી અને ઝડપી બોલર સારું લાગે તો પણ મેદાનમાં ઉતરવું સહેલું નથી.
જણાવી દઈએ કે જ્યારથી ડાબોડી ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે ટીમની બહાર છે ત્યારથી નસીમ શાહ પાકિસ્તાનની ટીમનો મુખ્ય બોલર બનીને રહ્યો છે. તેણે અત્યાર સુધી પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. જો કે તેને વર્તમાન શ્રેણીમાં માત્ર એક જ મેચ રમવાની મળી છે, પરંતુ એશિયા કપ 2022માં તેણે જે પ્રકારની બોલિંગ કરી તે આપણે બધાએ જોયું.

