ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની 5 મેચની સિરીઝ 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. છેલ્લી T20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને આ રીતે દક્ષિણ આફ્રિકાએ ભારતમાં સિરીઝ ન હારવાનો તેમનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો.
મેચ બાદ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે કહ્યું કે તે વધુ મજબૂત વાપસી કરવા ઈચ્છશે.
ભુવનેશ્વર કુમારે કહ્યું કે “હું સારું અનુભવી રહ્યો છું પરંતુ તેના વિશે વધુ વાત કરવા નથી માંગતો. માત્ર શારીરિક રીતે અને મારી બોલિંગ સાથે મજબૂત બનવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. મોટાભાગે હું પ્રથમ બે ઓવર અને છેલ્લી બે ઓવરમાં કરું છું.
સિનિયર હોવાને કારણે હું યુવા ખેલાડીઓને કેવી રીતે મદદ કરવી તે શીખવાનો પણ પ્રયાસ કરું છું. હું ખુશ છું કે મારા કેપ્ટને મને જે જોઈએ તે કરવાની સ્વતંત્રતા આપી છે અને તેના માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.”
ભુવનેશ્વર કુમારે આ શ્રેણીમાં 6 વિકેટ ઝડપી હતી અને તેને “મેન ઓફ ધ સિરીઝ” તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે એક જ મેચમાં 6 વિકેટમાંથી 4 વિકેટ ઝડપી હતી. કટકમાં રમાયેલી બીજી T20માં તેણે 4 વિકેટ ઝડપી હતી, જોકે ટીમ ઈન્ડિયા તે મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી.
મેચની વાત કરીએ તો વરસાદને કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 3.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 28 રન બનાવી લીધા હતા. શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વગર જ ક્રીઝ પર હાજર હતો જ્યારે પંતે 1 રન બનાવ્યો હતો. આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઈશાન કિશન અને રૂતુરાજ વહેલા આઉટ થઈ ગયા હતા. કિશને 15 અને ગાયકવાડે 10 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમનું આગામી લક્ષ્ય આયર્લેન્ડ પ્રવાસ છે જ્યાં ટીમ હાર્દિકની કપ્તાનીમાં 2 મેચની T20 શ્રેણી રમશે. શ્રેણીની પ્રથમ મેચ 26 જૂને રમાશે જ્યારે બીજી મેચ 28 જૂને રમાશે.