T-20

દક્ષિણ આફ્રિકા સામેની મેચોમાં બુમરાહની જગ્યા હવે મોહમ્મદ સિરાજ લેશે

ઝડપી બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

BCCIએ શુક્રવારે ટ્વીટ કર્યું કે સિરાજ ભારતીય ટીમમાં જસપ્રિત બુમરાહનું સ્થાન લેશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રોટીઝ ટીમને 8 વિકેટથી હરાવીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

જસપ્રીત બુમરાહને પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચના પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. બીસીસીઆઈએ ત્યારબાદ માહિતી આપી હતી કે ભારતીય ફાસ્ટ બોલરને પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠમાં દુખાવો થયો હતો, જેના કારણે તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. હવે એવા અહેવાલો છે કે જસપ્રીત બુમરાહને ઈજામાંથી સાજા થવામાં ચાર-પાંચ મહિનાનો સમય લાગી શકે છે અને તે આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે આ આઘાતજનક સમાચાર છે કારણ કે બુમરાહ ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક છે.

જોકે, BCCIએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, “ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 ઈન્ટરનેશનલ સિરીઝની બાકીની મેચ માટે ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કર્યો છે. બુમરાહને પીઠમાં ઈજા થઈ છે અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

Exit mobile version