T-20

ગૌતમ ગંભીરની સલાહ: આ કારણે ટી-20 વર્લ્ડમાં વિરાટ કોહલીએ ઓપન ન કરવું જોઈએ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટૂંક સમયમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરતા જોવા મળશે. IPL 2021માં કેપ્ટન તરીકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પોતાની છેલ્લી મેચ રમનાર કોહલી ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશીપ પણ છોડી દેશે. જોકે, તેની પાસે ટીમને આઈસીસી ટ્રોફી સુધી પહોંચાડવાની સુવર્ણ તક છે. કારણ કે આ વખતે ટીમ પાસે ઘણા સ્ટાર બેટ્સમેન અને બોલરો છે. જોકે, ટીમનો ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર માને છે કે કોહલીને બેટિંગ ક્રમમાં ઓપનિંગ માટે ન આવવું જોઈએ.

આઈપીએલ 2021માં વિરાટ કોહલી આરસીબી માટે ઓપનર તરીકે રમવા જઈ રહ્યો હતો અને તે ભારતીય ટીમ માટે પણ ઓપનર હતો, પરંતુ ગંભીરે કહ્યું કે આઈપીએલ 2021માં કેએલ રાહુલનું ફોર્મ જોતા કોહલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરવી જોઈએ. કેએલ રાહુલે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવી જોઈએ.

ગૌતમ ગંભીરે ‘ESPN Cricinfo’ સાથેની વાતચીતમાં એક સવાલના જવાબમાં આ કહ્યું. ગંભીરને પૂછવામાં આવ્યું કે જો આપણે આઈપીએલ પર નજર કરીએ તો કોહલીએ વર્લ્ડ કપમાં ઓપનિંગ ન કરવું જોઈએ? આનો જવાબ આપતાં ગંભીરે કહ્યું, “હા જો તમારી ટીમમાં કેએલ રાહુલ અને રોહિત શર્મા હોય તો જ બંનેએ ઓપન કરવું જોઈએ. તમારે નંબર 3 પર બેટિંગ કરવી જોઈએ.”

IPL 2021માં કેએલ રાહુલે ઓપનર તરીકે પંજાબ કિંગ્સને શાનદાર શરૂઆત આપી હતી. તેણે 13 મેચમાં 138 ના સ્ટ્રાઇક રેટથી 626 રન બનાવ્યા છે. કેએલ રાહુલે આ સમયગાળા દરમિયાન 6 અર્ધસદી ફટકારી છે. બીજી તરફ કોહલીએ 15 મેચમાં 119 ના સ્ટ્રાઇક રેટથી 405 રન બનાવ્યા છે. કોહલીએ ત્રણ અડધી સદી ફટકારી છે.

Exit mobile version