હાર્દિક પંડ્યાએ આયરલેન્ડ સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં પ્રથમ વખત ભારતની કેપ્ટનશીપ કરી હતી અને તેની પહેલી જ મેચમાં તેણે એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આ મેચમાં હાર્દિક પંડ્યાને એક સફળતા મળી અને આ એક વિકેટના આધારે તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટ લેવામાં સફળ રહેનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો. તેમના પહેલા ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ કેપ્ટને ભારત માટે વિકેટ લીધી ન હતી.
હાર્દિક પંડ્યાએ આયર્લેન્ડ સામે 2 ઓવર ફેંકી હતી જેમાં તેણે 26 રન આપીને સફળતા મેળવી હતી. હાર્દિક પંડ્યાએ પાલ સ્ટારલિંગને 4 રનના સ્કોર પર દીપક હુડાના હાથે કેચ કરાવ્યો હતો. આ વિકેટ મેળવ્યા બાદ તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે વિકેટ લેનાર પ્રથમ કેપ્ટન બન્યો. હાર્દિક પંડ્યા પહેલા ભારતીય ટી20 ટીમમાં વીરેન્દ્ર સેહવાગ, એમએસ ધોની, સુરેશ રૈના, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને ઋષભ પંત સુકાની રહી ચૂક્યા છે, પરંતુ તેણે ક્યારેય કોઈ મેચમાં કેપ્ટન તરીકે કોઈ વિકેટ લીધી નથી. હવે હાર્દિકે આ અજાયબી કરી એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
આ મેચમાં આયર્લેન્ડે 12 ઓવરમાં 4 વિકેટે 108 રન બનાવ્યા હતા. વરસાદના કારણે આ મેચ 12-12 ઓવરની કરવામાં આવી હતી. ભારત માટે ભુવી, હાર્દિક પંડ્યા, ચહલ અને અવેશ ખાનને એક-એક સફળતા મળી હતી. પોતાની ડેબ્યુ મેચમાં ઉમરાન મલિકે એક ઓવર નાંખી અને 14 રન આપ્યા જ્યારે તેને કોઈ સફળતા મળી ન હતી. ચહલે 3 ઓવરમાં માત્ર 11 રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. આયર્લેન્ડ તરફથી હેરી ટેક્ટરે અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. આ પછી ભારતે બીજા દાવમાં 9.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા અને મેચ 7 વિકેટે જીતી લીધી.