ભારત અને આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમરાએ ઈતિહાસ રચીને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
ભુવીએ તેની 3 ઓવરના ક્વોટામાં 16 રન આપીને એક વિકેટ લીધી, આ દરમિયાન તેણે એક ઓવર મેડન પણ નાખી. ભુવનેશ્વરે પાવરપ્લેમાં આયર્લેન્ડ સામે એકમાત્ર વિકેટ મેળવી હતી અને હવે તે T20I ક્રિકેટની પ્રથમ 6 ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે આ મામલે સેમ્યુઅલ બદ્રી અને ટિમ સાઉથીને પાછળ છોડી દીધા છે.
ભુવનેશ્વર કુમારને યજમાન ટીમના કેપ્ટન એન્ડ્રુ બલબિર્નીના રૂપમાં એકમાત્ર વિકેટ મળી હતી, જેને પહેલી ઓવરના 5માં બોલમાં ભુવીએ બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભુવી પાસે હવે T20I પાવરપ્લેમાં 34 વિકેટ છે જે પ્રથમ 6 ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં ટોચ પર છે.
T20I ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ:
34 વિકેટ – ભુવનેશ્વર કુમાર
33 વિકેટ – સેમ્યુઅલ બદ્રી
33 વિકેટ – ટિમ સાઉથી
27 વિકેટ – શાકિબ અલ હસન
27 વિકેટ – જોશ હેઝલવુડ
ભુવનેશ્વર કુમારની T20I કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં રમાયેલી 65 મેચોમાં એટલી જ વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે.
મેચની વાત કરીએ તો વરસાદના વિક્ષેપને કારણે મેચ ખૂબ જ મોડી શરૂ થઈ હતી. 12-12 ઓવરની આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. યજમાન ટીમ માટે ટેક્ટરે 33 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સના આધારે જ આયર્લેન્ડે ભારત સામે 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દીપક હુડ્ડાના 29 બોલમાં 47 રન, ભારત 16 બોલ બાકી રહેતા મેચ જીતવામાં સફળ રહ્યું.