T-20

ભારતે ઇતિહાસ રચ્યો! માત્ર 9 મહિનામાં તોડ્યો પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક T20 મેચમાં ભારતે 6 વિકેટે હરાવીને ત્રણ મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે માત્ર 9 મહિનામાં જ પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ટીમ ઈન્ડિયા હવે એક વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતનારી ટીમ બની ગઈ છે, બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે ગયા વર્ષે જ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

હૈદરાબાદમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતે આ વર્ષે T20 ક્રિકેટમાં પોતાની 21મી જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. પાકિસ્તાને 2021માં 20 T20 મેચ જીતીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ આ વર્ષે માત્ર 9 મહિનામાં જ રોહિત શર્માની ટીમે આ રેકોર્ડને નષ્ટ કરીને ઈતિહાસ રચ્યો છે.

ઓસ્ટ્રેલિયા બાદ હવે ભારતે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની T20 સીરીઝ રમવાની છે. આ પછી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમવા જશે જ્યાં ભારતે ગ્રુપ સ્ટેજમાં 5 મેચ રમવાની છે. બીજી તરફ જો ટીમ ફાઇનલમાં પહોંચે છે તો વધુ બે મેચ રમવાના ચાન્સ રહેશે. વર્લ્ડ કપ બાદ ભારતે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે જ્યાં તેણે ત્રણ મેચની ટી20 સીરીઝ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતને ઓછામાં ઓછી 12 વધુ મેચ રમવાની છે, જો ટીમ અડધી મેચ પણ જીતી જાય છે તો ભારતનો વર્લ્ડ રેકોર્ડ તોડવો મુશ્કેલ બની જશે.

Exit mobile version