ભારત અને પાકિસ્તાનના ફેન્સ માટે એક મોટા અને શાનદાર સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જઈ શકે છે. પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની કરવાનો મોકો મળ્યો છે અને BCCI આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવા માટે તૈયાર છે.
જો કે અંતિમ નિર્ણય સરકારનો રહેશે. જો ત્યાંથી મંજૂરી મળે તો 2008 પછી ભારત આવતા વર્ષે પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે.
ક્રિકબઝ દ્વારા અહેવાલ મુજબ, 2023 માં એશિયા કપ માટે ભારતની પાકિસ્તાનની મુલાકાત ચોક્કસપણે તત્કાલિન સરકારની મંજૂરીને આધીન હશે, પરંતુ હાલ માટે, તે ચોક્કસપણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એજન્ડામાં છે.
પાકિસ્તાન 2023ના બીજા ભાગમાં 50-ઓવરના એશિયા કપની યજમાની કરવાનું છે, જે પછી ભારતમાં વર્લ્ડ કપ યોજાશે. એજીએમની નોંધ મુજબ, BCCI પાકિસ્તાનના પ્રવાસ માટે તૈયાર છે.
રાજકીય મુદ્દાઓને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. હવે બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ બે કટ્ટર હરીફ ટીમો એકબીજા સામે રમતી જોવા મળે છે. જો સરકાર આવતા વર્ષે એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપે તો બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે તે નિશ્ચિત છે.
હાલ T20 વર્લ્ડ કપ 2022માં આમને સામને થવાની તૈયારીમાં છે. 23મી ઓક્ટોબરે આ મેગા ઈવેન્ટમાં બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત કરશે.