ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ICC દ્વારા જાહેર કરાયેલ મહિલા T20 રેન્કિંગમાં બોલરોની યાદીમાં ત્રણ સ્થાનના સુધારા સાથે તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાને પરત ફરી છે.
તે ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં પણ તે જ સ્થાને છે. દીપ્તિને બાંગ્લાદેશના સિલ્હેટમાં ચાલી રહેલા એશિયામાં તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે રેન્કિંગમાં ફાયદો થયો છે.
દીપ્તિએ પાકિસ્તાન સામે ત્રણ જ્યારે બાંગ્લાદેશ અને થાઈલેન્ડ સામે બે-બે વિકેટ ઝડપી હતી. દીપ્તિએ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલર શબનમ ઈસ્માઈલને પાછળ છોડી દીધી છે, જ્યારે તે ઈંગ્લેન્ડના સ્પિનરો સોફી એક્લેસ્ટોન અને સારાહ ગ્લેનથી આગળ છે. દીપ્તિએ નવેમ્બર 2019માં પ્રથમ વખત રેન્કિંગમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
દીપ્તિ શર્મા પણ આ સમયગાળા દરમિયાન બેટ્સમેનોની યાદીમાં એક સ્થાન સુધારવામાં સફળ રહી. બેટ્સમેનોની રેન્કિંગમાં તે 35મા ક્રમે છે. ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં તેણે ઓસ્ટ્રેલિયાના એશલે ગાર્ડનરને પાછળ છોડી દીધું છે.
ભારતીય બેટ્સમેનોમાં, જેમિમા રોડ્રિગ્સ બે સ્થાન આગળ વધીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તેનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે.
