
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે સ્કોટલેન્ડ સામે ટી-20 વર્લ્ડ કપ 2021 લીગ મેચમાં ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને તેણે 3.4 ઓવરમાં 10 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ મેચમાં બુમરાહની સાથે મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાએ પણ ઘાતક બોલિંગ કરતા 3-3 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગને કારણે સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં સમેટાઈ ગઈ હતી અને તે ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે કોઈ પણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો બીજો સૌથી ઓછો સ્કોર પણ સાબિત થયો હતો. આ પહેલા વર્ષ 2012માં ભારત સામે ઈંગ્લેન્ડની ટીમે 80 રન બનાવ્યા હતા.
જસપ્રીત બુમરાહે આ મેચમાં બે સ્કોટિશ બેટ્સમેનોને આઉટ કર્યા અને તે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. બુમરાહે યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડીને નંબર વન પર આવ્યો હતો. બુમરાહની પાસે હવે ટી-20I માં કુલ 64 વિકેટ છે, જ્યારે યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધીમાં 63 વિકેટ લીધી છે. આર અશ્વિન ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે 55 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.
ટી-20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા ટોચના 5 બોલર:
64 – જસપ્રીત બુમરાહ
63 – યુઝવેન્દ્ર ચહલ
55 – આર અશ્વિન
50 – ભુવનેશ્વર કુમાર
43 – રવિન્દ્ર જાડેજા
