એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં વિકેટકીપર જીતેશ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીતેશ શર્મા છેલ્લા કેટલાક વર્ષોમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે જે તેની ધમાકેદાર બેટિંગ માટે જાણીતો છે.
IPL 2023માં પણ તેના બેટમાંથી કંઈક આવું જ જોવા મળ્યું. આ જ કારણ છે કે પસંદગીકારોએ તેને એશિયન ગેમ્સ માટે ટીમમાં વિકેટકીપર તરીકે પસંદ કર્યો છે.
IPLની 26 મેચોમાં જીતેશ શર્માનો સ્ટ્રાઈક રેટ 160ની નજીક રહ્યો છે જ્યારે 90 T20 મેચમાં તેનો સ્ટ્રાઈક રેટ 150ની નજીક છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં તે કેટલો ખતરનાક છે.
જીતેશ એવા સમયે ભારતીય ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જ્યારે ટીમ પાસે ઘણા વિકલ્પો છે. ઋષભ પંત ઈજામાંથી સાજા થયા બાદ પુનરાગમન કરવા માટે તૈયાર હશે. ઈશાન કિશન હાલમાં ભારતનો ટોપ વિકેટ કીપર બેટ્સમેન છે. આ રેસમાં સંજુ સેમસન પણ સામેલ છે. એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમમાં જીતેશની સાથે પ્રભસિમરન સિંહ પણ હાજર છે.
આ વર્ષની શરૂઆતમાં જિતેશ સંજુ સેમસનની ઈજાને કારણે ભારતીય ટીમમાં જોડાયો હતો પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. જો કે, ઋષભ પંતની ઈજા અને ઈશાન કિશનની બેટિંગમાં સાતત્યતાના અભાવને ધ્યાનમાં લેતા, ડેશિંગ વિકેટકીપરને ટૂંક સમયમાં સિનિયર ટીમ તરફથી બોલાવવામાં આવે તેવી અપેક્ષા છે.