ન્યુઝીલેન્ડે આ મહિનાના અંતમાં ભારત સામેની T20I શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સતત બે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી ચૂકેલી ટીમે તેના નિયમિત કેપ્ટન કેન વિલિયમસન અને અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથીને આરામ આપ્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમે ભારત સામે 27 જાન્યુઆરીથી શરૂ થનારી T20 શ્રેણી માટે મિશેલ સેન્ટનરને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.
કેન વિલિયમસન અને ટિમ સાઉથીને આરામ આપવાનો નિર્ણય ઘણા સમય પહેલા લેવામાં આવ્યો હતો. જો કે, જો આ બંને ખેલાડીઓ ફિટ રહેશે તો તેઓ ન્યુઝીલેન્ડની ODI ટીમનો ભાગ બનશે, જે 18 જાન્યુઆરીથી ભારત સામે રમશે. ડાબા હાથના મધ્યમ ઝડપી બોલર બેન લિસ્ટર અને હેનરી શિપ્લીને ત્રણ મેચની T20I શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે 18 જાન્યુઆરીથી હૈદરાબાદમાં ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. ત્યાર બાદ 27 જાન્યુઆરીએ રાંચીમાં પ્રથમ T20 મેચ રમાશે. લિસ્ટર (27)એ ગયા વર્ષે ભારતમાં ‘ન્યૂઝીલેન્ડ A’ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. જો કે, ન્યુમોનિયાથી પીડાતા તેમને પ્રવાસ અધવચ્ચે છોડીને પરત ફરવું પડ્યું હતું.
સેન્ટનરની આગેવાની હેઠળની ન્યુઝીલેન્ડની ટીમમાં ઘણા અનુભવી ટી20 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આમાંથી નવ ખેલાડીઓ ગયા વર્ષના T20 વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતા.
ભારત સામેની T20I શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમ: મિશેલ સેન્ટનર (c), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ રિપન, હેનરી શિપલી , ઈશ સોઢી, બ્લેર ટિકનર