ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે જાહેર કરાયેલી ભારતની ટી-20 ટીમની પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. કૈફનું માનવું છે કે આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કરનાર જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર રસીખ સલામને ટીમમાં સ્થાન મળવું જોઈએ હતું, પરંતુ પસંદગીકારોએ તેની અવગણના કરી છે.
કૈફે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું કે રસીખ સલામે આઈપીએલ 2026માં 12 મેચમાં 19 વિકેટ ઝડપી હતી અને તે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અસરકારક રહ્યો હતો. તેમ છતાં તેને ભારતીય ટીમમાં તક આપવામાં આવી નથી. બીજી તરફ યશ ઠાકુરને માત્ર એક જ આઈપીએલ મેચ રમ્યા બાદ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે મયંક યાદવ પણ ઈજામાંથી પરત ફર્યા બાદ ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. કૈફે આ નિર્ણયને આશ્ચર્યજનક ગણાવ્યો છે.
તેણે વધુમાં જણાવ્યું કે રસીખ સલામ માત્ર વિકેટ લેનારો બોલર જ નથી, પરંતુ પાવરપ્લે અને ડેથ ઓવર્સ બંનેમાં અસરકારક બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની પાસે સ્લોઅર બોલ, ક્રોસ-સીમ ડિલિવરી અને સ્વિંગ જેવી વિવિધતા છે, જે ટી-20 ક્રિકેટમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. કૈફે કહ્યું કે રસીખ છેલ્લા બે સફળ આઈપીએલ અભિયાન દરમિયાન વિજેતા ડ્રેસિંગ રૂમનો ભાગ રહ્યો છે, જેના કારણે તેની અંદર જીતનો આત્મવિશ્વાસ અને માનસિકતા વિકસેલી છે.
કૈફના મતે ટીમ પસંદ કરતી વખતે માત્ર ઝડપ નહીં, પરંતુ જીતાડવાની ક્ષમતા અને સતત પ્રદર્શનને પણ મહત્વ આપવું જોઈએ. તેણે કહ્યું કે રસીખ જેવા પ્રતિભાશાળી બોલરને સતત અવગણવામાં આવી રહ્યો છે, જે સમજની બહાર છે. કૈફના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ઘણા ક્રિકેટ ચાહકોએ રસીખ સલામને તક ન મળવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે અને પસંદગી પ્રક્રિયા અંગે ચર્ચા તેજ બની છે.

