T-20

મોહમ્મદ રિઝવાને ટી20માં ઈતિહાસ રચ્યો, આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

ટી20 ફોર્મેટના સંદર્ભમાં પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન માટે વર્ષ 2021 ધમાકેદાર રહ્યું છે અને તેણે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિઝવાન સમગ્ર વર્ષ દરમિયાન તેની શાનદાર બેટિંગને કારણે એક કેલેન્ડર વર્ષમાં ટી20માં 2000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

રિઝવાને કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી ટી20માં આ આંકડો હાંસલ કર્યો હતો. પાકિસ્તાનની ઇનિંગ્સની 11મી ઓવર દરમિયાન તેણે આ મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી.

આંકડાઓ પર નજર કરીએ તો રિઝવાન આ વર્ષે 48 ટી20 મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે બેટ વડે 56.55ની એવરેજ અને 132થી વધુના સ્ટ્રાઈક રેટથી કુલ 2036 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 18 અડધી સદી સામેલ છે.

આ સિવાય જો આ વર્ષના આંતરરાષ્ટ્રીય ટી20માં તેના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો તેણે 29 મેચમાં 73.66ની શાનદાર એવરેજથી 1326 રન બનાવ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની છેલ્લી મેચમાં પાકિસ્તાને પોતાના બેટ્સમેનોના ધમાકેદાર પ્રદર્શનને કારણે શાનદાર જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે નિકોલસ પૂરનના સર્વાધિક 64 રન અને અન્ય બેટ્સમેનોની ઈનિંગ્સની મદદથી 3 વિકેટે 207 રન બનાવ્યા હતા.

જવાબમાં બાબર અને રિઝવાનની જોડીએ પાકિસ્તાન માટે શાનદાર શરૂઆત કરી હતી અને બંનેએ પ્રથમ વિકેટ માટે 158 રનની ભાગીદારી કરી હતી. બાબર 79 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો જ્યારે રિઝવાન પણ 87 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અંતે આસિફ અલીએ 7 બોલમાં 21 રનની ઝડપી ઇનિંગ રમીને ટીમને 7 વિકેટે જીત અપાવી હતી. આ રીતે પાકિસ્તાને શ્રેણી 3-0થી જીતી લીધી હતી.

Exit mobile version